સંવત-૨૦૮૧, શ્રાવણ સુદ-૪, સોમવાર, તા. ૨૮ જુલાઈ ૨૦૨૫ નાં રોજ જ્ઞાતિની મહિલા સમિતિ દ્વારા પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે શ્રી શિવ-પાર્વતી ઈશ્વર વિવાહ અને શ્રી જીવંતિકા માતાજીનાં ગરબાનું અતિ સુંદર આયોજન કરવામાં આવેલ.
માં ભગવતી મંડળનાં પ્રસધ્ધિ ગરબા ગાયક કે જેઓ માતાજીનાં ગરબા વાળા તરીકે પ્રખ્યાત છે તેવા શ્રીમતિ નયનાબેન પંડયા અને તેઓના ગ્રુપ ઉપરાંત જ્ઞાતિની મહિલા સમિતિનાં હોદ્દેદારો તથા અન્ય જ્ઞાતિજનો દ્વારા બપોરે ૩-૦૦ કલાકે સૌ પ્રથમ ઈશ્વર વિવાહ ગાવામાં આવેલ. સંગીતમય શૈલીમાં વાદ્ય-વાજીંત્રો સાથે ગાવામાં આવેલ ઈશ્વર વિવાહ ઉપસ્થિત સર્વેને રોમાંચિત અને ભાવવિભોર બનાવી, ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી ગયો. શિવ-પાર્વતી વિવાહ પૂર્ણ થયા બાદ સુખદ અનુભૂતિ અને ભગવાન શિવ-પાર્વતી સાથેની એકાત્મકતાના અનુભવ બાદ, થોડો વિરામ લઈ માં ભગવતી મંડળ દ્વારા શ્રી જિવંતીકા માતાજીનો ગરબો શરૂ કરવામાં આવેલ.
સર્વમંગલા માં શ્રી જિવંતીકા માતાજી એટલે સર્વે દુઃખો હરનારી અને સર્વેનું મંગલ કરનારી માતા. આ ગરબો ગાયક વૃંદ દ્વારા ગાવા-ગવરાવવા ઉપરાંત સાથે સાથે રમવા માટે પણ પ્રેરિત કરી, માતાજીના દિવ્ય ચરિત્રોનું રસપાન કરાવી, સર્વેને અભિભૂત કરાવી ગયો.
દર વર્ષે જ્ઞાતિની મહિલા સમિતિ દ્વારા, શ્રાવણ માસમાં આ પ્રકારનું આયોજન હોય જ છે. પણ આ વખતે કંઈક અનેરો જ ઉત્સાહ અને ઉમંગ આ કાર્યક્રમ દરમ્યાન જોવા મળ્યો. જે માટે જ્ઞાતિની મહિલા સમિતિનાં હોદ્દેદારો ઉપરાંત નિઃશુલ્ક સેવા આપનાર માં ભગવતી મંડળના સભ્યો ખરેખર ધન્યવાદ છે.
અંતમાં, મહિલા સમિતિ દ્વારા પ્રસાદ ઈત્યાદીની વ્યવસ્થા કરવામાં આવેલ, જે ગ્રહણ કરી, સૌ કોઈ આ કાર્યક્રમની સરાહના અને પ્રશંસા કરતા-કરતા વિદાય થયા.
આ આયોજનને ભવ્ય રીતે સફળ બનાવવામાં મહિલા સમિતિના હોદ્દેદારો જેવા કે, નૈમિષાબેન જોષી, પારૂલબેન ત્રિવેદી, અરૂણાબેન ત્રિવેદી, મનીષાબેન ભટ્ટ, હીનાબેન જોષી, પૂજાબેન જોષી, ચારૂબેન ત્રિવેદી, મીનાબેન પંડયા વગેરેએ પોતાનો અમુલ્ય સમય અને સેવા આપી જ્ઞાતિ પ્રત્યેની પોતાની નિષ્ઠા દર્શાવેલ.
અહેવાલ પ્રસ્તુતિઃ નૈમિષાબેન જોષી, કન્વીનર શ્રી, મહિલા સમિતિ, ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, મોરબી