‘દેવભર્ગ’ ના ૧૫૦ મા અંકનો ભવ્ય વિમોચન સમારોહ

તા. ૨૭-૭-૨૦૨૫ ને રવિવારે ભાવનગર જ્ઞાતિમંડળ દ્વારા પ્રકાશિત થતા ત્રિ-માસિક સામયિક ‘દેવભર્ગ’નો જુન-૨૦૨૫ નો અંક ૧૫૦ મો હોવાથી જ્ઞાતિભુવન ખાતે ભવ્ય સમારોહ યોજી સ્થાનિક તેમજ બહારગામના આદરણીય મહેમાનોની વિશાળ ઉપસ્થિતિમાં વિમોચનની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ. આ મંઝીલે પહોંચવામાં ૩૭ વર્ષ અને ૬ માસની અવિરત પુરૂષાર્થ યાત્રા હોવાથી કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉમંગ દ્રષ્ટિગોચર થતા હતા.

સવારે દસ વાગ્યે બહારગામથી મોટાભાગના મહેમાનોનું આગમન થઈ ગયું હતું. ચા-નાસ્તાની ઔપચારિકતા બાદ સૌ પ્રથમ માળે વાતાનુકૂલિત મધ્યખંડમાં પહોંચતા ઉદ્ઘોષક દ્વારા મંચસ્થ થનાર મહેમાનોનાં નામ બોલાતા મુખ્ય વિમોચક ભાગવતાચાર્ય પૂ. યજ્ઞેશભાઈ શાસ્ત્રી, મુંબઈથી પધારેલ શ્રી બિપીનભાઈ જે. દવે, અમદાવાદથી પધારેલ શ્રી મહેશભાઈ ડી. પંડયા, રાજકોટથી ડૉ. સુરેશભાઈ એમ. પંડયા, પ્રમુખ દાતાશ્રી કીર્તિભાઈ એસ. પંડયા, જ્ઞાતિ પ્રમુખ ડો. મુકુંદભાઈ તથા ‘દેવભર્ગ’ તંત્રીશ્રીએ પોતાના સ્થાન ગ્રહણ કરેલ. અંજલીબેન ત્રિવેદીની ગણપતિ સ્તુતિ બાદ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. તંત્રીશ્રીએ મહેમાનોના શાબ્દિક સ્વાગત બાદ ૧૫૦માં અંકની રૂપરેખા રજુ કરેલ. સાંપ્રત સમયમાં વાંચનની ટેવ ઓછી થતી જાય છે. જેને પરિણામે સામયિક માટે મળવી જોઈતી મૌલિક કૃતિઓ ઓછી થતી જાય છે. તે બાબત તેમણે ચિંતા વ્યકત કરેલ. અંકનો વિશેષાંકનો દરજજો હોવાથી તેને અનુરૂપ કલર પેઈજ જ્ઞાતિજનોએ સારા પ્રમાણમાં આપ્યા તે બદલ સૌને ધન્યવાદ પાઠવેલ.

ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું જ્ઞાતિમંડળ કાર્યકરો દ્વારા પુષ્પગુચ્છ, હાથરૂમાલ, શાલ તથા મોમેન્ટોથી હાર્દિક સ્વાગત સંપન્ન થયું. શાસ્ત્રી યજ્ઞેશભાઈ તેમજ અન્ય અતિથિ વિશેષશ્રીઓના વરદ્ હસ્તે અંકનું વિમોચન થતાં ઉપસ્થિત સૌએ પોતાના સ્થાને ઉભા થઈને પ્રચંડ હર્ષધ્વનિ તથા તાળીઓના ગડગડાટ સાથે વધાવેલ. ભાવનગરની વિરાસતના ચિત્રો મુખપૃષ્ઠ ઉપર જોઈને તથા આકર્ષક બાઈન્ડીંગ જોઈને સૌ પ્રથમ દ્રષ્ટિએ જ ખૂબ પ્રભાવિત થયા હોય તેમ ચહેરા ઉપર દ્રશ્યમાન થતું હતું. વિશેષાંકને અનુલક્ષીને જે સાહિત્ય સ્પર્ધાનું આયોજન કરેલ તેના વિજેતાઓને રોકડ ઈનામો અર્પણ થયેલ. નવલિકા સ્પર્ધાના ઈનામના સ્પોન્સર ડો. જયેશભાઈ પંડયા હતા. પરંતુ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમમાં હાજર રહેવાનું હોઈ ઉપસ્થિત રહી શકેલ નહીં. તેમની જગ્યાએ તેમના ધર્મપત્ની શ્રીમતિ હીનાબેનના વરદ્ હસ્તે ઈનામના કવર અર્પણ થયેલ. નિબંધ સ્પર્ધાના ઈનામના સ્પોન્સર તંત્રીશ્રી હોવાથી તેમણે વિજેતાઓને ઈનામના કવર અર્પણ કરેલ. જયારે કાવ્ય વિભાગ તથા અન્ય ઈનામો જ્ઞાતિમંડળ દ્વારા અપાયેલ જેના ઈનામના કવર જ્ઞાતિપ્રમુખ તથા અન્ય કાર્યકરો દ્વારા અર્પણ થયેલ.

જ્ઞાતિના વિવિધ મંડળોની હાજરી હતી તેમાં મંડળના પ્રમુખ ઉપરાંત અન્ય કાર્યકરો ઉપસ્થિત હતા. મહામંડળના પ્રમુખ પંકજભાઈ દવે, શ્રી પ્રવિણભાઈ પંડયા, અમરેલી જ્ઞાતિ પ્રમુખ રાજેશભાઈ પંડયા તેમજ રમેશભાઈ પંડયા, ચેતનભાઈ ત્રિવેદી, ડો. અલ્પેશ પંડયા, પિયુષભાઈ ત્રિવેદી, અમદાવાદ-ગાંધીનગર મંડળના ટ્રસ્ટીપ્રમુખ શ્રી ગિરીશભાઈ ઉપાધ્યાય, મોરબી જ્ઞાતિમંડળ પ્રમુખ મહેશભાઈ જોષી, ટ્રસ્ટીશ્રી સુરેશભાઈ ત્રિવેદી, જામનગરથી જ્ઞાતિકાર્યકર શ્રી કિરીટભાઈ પંડયા, સુરેન્દ્રનગર જ્ઞાતિમંડળ પ્રમુખ ભગવતીપ્રસાદ જાની, બોટાદ જ્ઞાતિપ્રમુખ શાંતિભાઈ પંડયા, રાજકોટના કાર્યકરોમાં મંત્રી ગૌતમભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ રાજુભાઈ ત્રિવેદી, કમલેશભાઈ દવે, હિતેશભાઈ ત્રિવેદી તેમજ જામખંભાળીયાથી જ્ઞાતિઅગ્રણી પ્રશાંતભાઈ પંડયા હાજર રહેલ, તેમનું પુષ્પગુચ્છ તથા હાથરૂમાલથી સ્વાગત કરવામાં આવેલ.

હાલના સમયમાં અખબારો તથા સામયિકોમાં પ્રિન્ટેડ કોપીની સમાંતર ડીજીટલ આવૃત્તિ ઉપલબ્ધ કરાવવાનો ટ્રેન્ડ વિકસતો જાય છે. ત્યારે ‘દેવભર્ગ’ પણ તેને અનુરૂપ પ્રિન્ટેડ કોપી સાથો-સાથ ડીજીટલ આવૃત્તિની દિશામાં આગળ વધવા સંકલ્પબદ્ધ થયું છે. ગાંધીનગર સ્થિત શ્રી આનંદભાઈ એમ. પંડયા દ્વારા તેનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવેલ. આ અંગે વિગતવાર માહિતી તથા લીંક વિગેરે આવતા અંકમાં આપવામાં આવશે. સ્થળ ઉપર જ આ પ્રવૃત્તિને નાણાંકિય બુસ્ટર મળી ગયેલ. જામખંભાળીયાના પ્રશાંતભાઈ પંડયાએ રૂ.૧૧,૧૧૧/-, શ્રી બિપીનભાઈ દવે એ રૂ. ૨૫,૦૦૦/- તથા શ્રી મહેશભાઈ પંડયાએ રૂ. ૨૫,૦૦૦/- નું યોગદાન જાહેર કરેલ.

ભાવનગર જ્ઞાતિ પ્રમુખ ડો. મુકુંદભાઈનું શાલ ઓઢાડી વિવિધ મંડળો દ્વારા સન્માન કરવામાં આવેલ. અમરેલી જ્ઞાતિપ્રમુખ રાજુભાઈ પંડયાએ ડો. મુકુંદભાઈ ઉપરાંત ‘દેવભર્ગ” ના તંત્રીનું પણ શાલ ઓઢાડી સન્માન કરેલ.

‘દેવભર્ગ’ ના નિયમિત લેખકો પૈકી જેઓ કાર્યક્રમમાં હાજર હતા તેમને સન્માનિત કરવામાં આવેલ. ‘દેવભર્ગ’ માં નિયમિત જાહેરાત આપી જેઓ સહયોગ આપે છે. તેની જાણકારી શ્રી ગૌતમભાઈ ભટ્ટે આપેલ. ઈનામ વિજેતાઓ પૈકી પ્રતિભાવ આપવા નિમંત્રિત કરાતા જામનગરથી પધારેલ ડો. સુરભિ ગુંજન દવેએ સરસ પ્રતિભાવ આપેલ. મહામંડળ પ્રમુખ તથા વિવિધ મંડળોના પ્રમુખ/પ્રતિનિધિએ પોતાના ભાવ વ્યક્ત કરી ઉમળકાભેર શુભેચ્છા પાઠવી હતી. અધ્યક્ષ સ્થાનેથી આશિર્વચન પાઠવતા શાસ્ત્રી યજ્ઞેશભાઈએ દિવંગત આદ્યપ્રણેતા તથા તંત્રી/ સંપાદકોની સેવાને આદરપૂર્વક યાદ કરેલ. ‘દેવભર્ગ”ની હાલની પ્રગતિથી તેમણે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરી. જ્ઞાતિહીતની આ પ્રવૃતિ ચાવચંદ્ર દિવાકરી ચાલુ રહે તેવી શુભેચ્છા પાઠવેલ. યુવાનો વાંચનની ટેવ વિકસાવે અને અભિવ્યક્ત થાય તેવી અપીલ કરેલ. સમગ્ર કાર્યક્રમનું રસપુર્વક એન્કરીંગ શ્રી પરેશભાઈ પંડયાએ તેમની વિશિષ્ટ શૈલીમાં કરેલ. ધાર્યા કરતા સમય વધુ થઈ ગયો હોવાથી આભારવિધિ ટૂંકમાં પતાવી સૌ સ્વાદિષ્ટ ભોજનથાળને ન્યાય આપવા પહોંચ્યા અને ખૂબ આનંદ તથા સંતોષની લાગણી સાથે પોતાના ગંતવ્ય સ્થાને જવા રવાના થયેલ. તંત્રીએ ‘દેવભર્ગ”નું ૫૦ મું વર્ષ અને દ્વિશતાબ્દી અંક (૨૦૦ મો અંક) ના વિમોચનમાં હાજર રહેવા આગોતરૂં આમંત્રણ પાઠવેલ. જય મોઢેશ્વરી માં…

અહેવાલ પ્રસ્તુતિ ….. તંત્રીશ્રી, ‘દેવભર્ગ’